નમસ્કાર ખેડૂત મિત્રો,

હવે શિયાળું સીઝનની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. ખેડૂતો મિત્રો તમે પણ હવે ધીમે ધીમે તેનું પ્લાનિંગ કરી રહ્યાં હશો. તો આજે આપણે જાણીશું શિયાળું સીઝનના એક અગત્યના કઠોળ પાક વિશે અને તે એટલે “ચણા”

ચણા ની વૈજ્ઞાનિક ખેતી :-

વાવેતર સમય :-

 • નવેમ્બરનાં પ્રથમ પખવાડીયા દરમિયાન પિયત ચણાની જાતોનું વાવેતર કરવું.
 • બિનપિયત ચણાની જાતોનું વાવેતર ઓકટોબર ના છેલ્લા અઠવાડિયા થી કરી શકાય.

બિયારણ દર :-

 • પિયત વાળી જમીનમાં :- ૧૫ થી ૨૦ કિલો/એકર
 • બિન પિયત વાળી જમીનમાં :- ૨૫-૨૮ કિલો/એકર
 • વાવેતર પહેલાં બીજને ફુગનાશક દવાનો પટ આપવો જેથી આગળ જતાં સૂકારાનાં પ્રશ્નો મા રાહત રહે.

જમીન :-

 • પિયત વાળી જમીનમાં ચોમાસું પાકની કાપણી કરી ઓરવણ કરવું. વરાપ થાય પછી ખેડ કરી જમીન તૈયાર કરી વાવણી કરવી.
 • બિન પિયત જમીનમાં વધારે ભેજ સંગ્રહ શકિતવાળી, કાળી, મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચોમાસું પાકની કાપણી કરી તરત જ જમીન ખેડી પછી પાટ મારી વાવણી કરવી જેથી ભેજની માત્રા જળવાઈ રહે અને બીજનો ઉગાવો સારો થાય છે.

ખાતર :-

 • ચણાને વાવણી વખતે ખાતરનો એક જ ડોઝ આપવો.
 • પાયાનાં ખાતર તરીકે ૧૫ કિલો યુરીયા અને ૪૦ કિલો ડીએપી/એકર આપવું.
 • ચણાનાં મૂળમાં રાઈઝોબિયમ જીવાણુંની પ્રવૃત્તિ ૨૧ દિવસમાં શરૂ થાય છે, તેથી છોડ પોતે જ હવાનો નાઈટ્રોજન વાપરવાની શકિત મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિ ખાતર ની જરૂર નથી.
 • ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિ ખાતર તરીકે યુરીયા આપે છે. જેથી ખોટો ખર્ચ થાય છે સાથે જ નુકસાન પણ થાય છે.
 • ચણામાં વધારે નાઈટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોડાં બેસે છે. આથી ચણામાં પૂર્તિ ખાતર કયારેય ન આપવું.

પિયત :-

 • પ્રથમ પિયત - વાવણી બાદ તરત જ
 • બીજું પિયત - ૨૦ દિવસ પછી (ડાળી ફૂટવાના સમયે)
 • ત્રીજું પિયત - ૪૦ થી ૪૫ દિવસે (ફૂલ બેસતી વખતે)
 • ચોથું પિયત - ૬૦ થી ૭૦ દિવસે (પોપટા બેસતી વખતે)

નિંદામણ :-

 • જો ખૂબ જ સમસ્યા હોય તો વાવણી વખતે પેન્ડીમીથાલીન ૩૦% ૫૦૦ મિલી ના દરે પ્રતિ એકરમાં માત્ર વહેતા પાણી સાથે આપવું.  (ચણા ઉગતાં પહેલાં)

ખાસ નોંધ :-

 • ચણામાં ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાએ પિયતની ખાસ જરૂરિયાત હોય છે. આ સમયે પાણી આપવાથી પાણી નો યોગ્ય ઉપયોગ અને આર્થિક ફાયદો થાય છે.
 • જો ખૂબ જ ટૂંકા ગાળે પિયત આપવામાં આવે તો છોડનો વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ફૂલ તથા પોપટા મોડા આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે.

 

જેનું બિયારણ બગડ્યું એનું વર્ષ બગડ્યું તો સારા અને સાચા બિયારણ ની પસંદગી કરવી ખાસ જરુરી છે.

ચણાનાં બિયારણ માટે અહીં ક્લિક કરો :- ચણા નું બિયારણ  લાઈક કરવા માટે લોગ ઈન કરો.